• Image-Not-Found

early puberty in India

"મારી છ વર્ષની દીકરીમાં ઘણા શારીરિક ફેરફારો થઈ રહ્યા હતા. આટલી નાની ઉંમરમાં આ જોઈને હું ગભરાઈ ગઈ હતી. તે દરેક વાત પર ગુસ્સે થવા લાગી હતી. આ ફેરફારો મને ચિંતામાં મૂકતા હતા." મહારાષ્ટ્રના સતારા જિલ્લાના એક ગામમાં રહેતી અર્ચના (નામ બદલ્યું)નું આવું કહેવું છે.

અર્ચનાના પતિ વ્યવસાયે ખેડૂત છે. તે પોતાના ખેતરમાં બનેલા નાનકડા મકાનમાં રહે છે. તેમને બે બાળકો છે. એક પુત્ર અને એક પુત્રી. દીકરી મોટી છે. જ્યારે અર્ચનાની છ વર્ષની દીકરી તેની ઉંમર કરતાં મોટી દેખાવા લાગી તે જ સમયે, સ્થાનિક ડૉક્ટરે અર્ચનાને ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવાની સલાહ આપી.

પુણેની મધરહુડ હોસ્પિટલના ડૉ. સુશીલ ગરુડ (વિંગ કમાન્ડર) કહે છે, 'જ્યારે અર્ચના તેની દીકરીને અમારી પાસે લાવી હતી, ત્યારે તપાસ બાદ અમને જાણવા મળ્યું કે તેનામાં તરુણાવસ્થાના તમામ લક્ષણો હતા. તેના શરીરની રચના 14-15 વર્ષની હતી. તેથી તેને ગમે ત્યારે પીરિયડ્સ શરૂ થઈ શકે છે. છોકરીમાં હોર્મોનનું સ્તર તેની ઉંમર કરતાં ત્રણ ગણું વધારે હતું અને આના ઘણા કારણો હોઈ શકે છે.'
ડૉક્ટર કહે છે, 'અર્ચનાએ તેમને કહ્યું હતું કે તેના ઘરમાં જંતુનાશક દવાઓના પાંચ-પાંચ કિલોના બે ડબ્બા રાખવામાં આવ્યા છે અને તેની પુત્રી તેની આસપાસ રમતી રહે છે. તેથી બાળકના હોર્મોન્સમાં ફેરફારનું આ એક મુખ્ય કારણ હોઈ શકે છે. '


આવો જ બીજો કિસ્સો દિલ્હીમાં જોવા મળ્યો છે. દિલ્હીની રહેવાસી રાશિ પણ તેની પુત્રીના શરીરમાં ઘણા ફેરફારો જોઈ રહી હતી, પરંતુ તે તેને સામાન્ય માની રહી હતી.તેની છ વર્ષની પુત્રીનું વજન 40 કિલો હતું અને તે તેને હેલ્થી ચાઇલ્ડ માની રહી હતી.

પરંતુ એક દિવસ અચાનક રાશીની દીકરીએ લોહી નીકળવાની ફરિયાદ કરી. ડૉક્ટર પાસે ગયા પછી ખબર પડી કે તેની છ વર્ષની દીકરીનું પીરિયડ્સ શરૂ થઈ ગયું છે. રાશી કહે છે, ' અમારા માટે આ સ્વીકારવું ખૂબ જ મુશ્કેલ હતું. મારી પુત્રી સમજી શકતી ન હતી કે તેની સાથે શું થઈ રહ્યું છે.'

ડોક્ટર સમજાવે છે કે બાળકોના શરીરમાં આવા અકાળે થતા ફેરફારોને તબીબી ભાષામાં પ્રિકોશિયસ પ્યુબર્ટી અથવા અર્લી પ્યુબર્ટી કહેવાય છે.

નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશન (NCBI)ની વેબસાઈટ અનુસાર, તરુણાવસ્થા એક એવી પ્રક્રિયા છે જેમાં છોકરા કે છોકરીના શરીરમાં ફેરફારો થાય છે, તેમના જાતીય અંગોનો વિકાસ થાય છે અને તેઓ પ્રજનન માટે સક્ષમ બને છે.

વેબસાઈટ અનુસાર, તરુણાવસ્થા છોકરીઓમાં 8 થી 13 વર્ષની વચ્ચે અને છોકરાઓમાં 9 થી 14 વર્ષની વચ્ચે શરૂ થાય છે.

ગાયનેકોલોજિસ્ટ ડૉ. એસ.એન. બાસુ કહે છે કે છોકરાઓ કરતાં છોકરીઓમાં તરુણાવસ્થા વહેલા આવે છે, પરંતુ જ્યારે તબીબી પુસ્તકોમાં આપેલી ઉંમર કરતાં પહેલાં તરુણાવસ્થા શરૂ થઈ જાય છે, તો તેને પ્રિકોશિયસ પ્યુબર્ટી કહેવાય છે.

કિશોરોમાં હોર્મોનલ ડિસઓર્ડરની સારવાર કરનારા બાળરોગ નિષ્ણાત અને એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. વૈશાખી રુસ્તેગી કહે છે, 'લગભગ થોડા વર્ષો પહેલાં, અમે જોતા હતા કે છોકરીઓમાં શારીરિક ફેરફારોના પ્રથમ સંકેતો દેખાયાના 18 મહિનાથી 3 વર્ષ પછી પિરીયડસ  આવે છે જે હવે છોકરીઓને ત્રણથી ચાર મહિનામાં શરૂ થઈ રહી છે."

એવી જ રીતે છોકરાઓ હવે તરુણાવસ્થાની શરૂઆત પછી એકથી દોઢ વર્ષમાં દાઢી અને મૂછ ઉગાડવાનું શરૂ કરે છે, જ્યારે પહેલા તેમાં ચાર વર્ષ જેટલો સમય લાગતો હતો.

હાલ અર્ચના અને રાશીની બંને પુત્રીઓ સારવાર હેઠળ છે.